શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિર શાળામાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી

સુરેન્દ્રનગર : શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિર શાળામાં નાતાલ પર્વ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકા થી ધોરણ ૧ થી ૫ ના નાનાં ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની વિશેષતા તરીકે બાળકોએ સાન્તાક્લોઝ, માતા મેરી, જોસેફ, બાલ ઈસુ ખ્રિસ્ત અને મધર ટેરેસા જેવા પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. શાળાનું પટાંગણ જાણે બેથલેહેમમાં પરિવર્તિત થયું હોય તેવો માહોલ સર્જાયો હતો. બાળકોના અભિનયે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાળાની આચાર્યા રીંકુબેન ક્રિશ્ચિયને નાતાલના ધાર્મિક અને સામાજિક મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, “નાતાલ માત્ર તહેવાર નહીં, પરંતુ પ્રેમ, ક્ષમા અને પરોપકારનો સંદેશ આપતો અવસર છે.” બાળકો દ્વારા નાતાલ વિષયક વક્તવ્ય અને 'ક્રિસમસ ડાન્સ' રજૂઆત પણ કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા બાળકોની કલા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરવામાં આવી હતી. વાલીઓએ શાળાની આવી પ્રવૃત્તિઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ સભ્યોએ સ્ટેજ ડેકોરેશનથી લઈને બાળકોની તૈયારી સુધીમાં મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ બાળકોને નાતાલની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ઉજવણી આનંદમય માહોલમાં પૂર્ણ થઈ હતી.

Post a Comment

0 Comments