ઈનરવ્હીલ ક્લબ દ્વારા 'બેટી બચાવો-બેટી પઢાવો' અંતર્ગત મહિલા સુરક્ષા જાગૃતિ સેમિનાર અને રેલીનું આયોજન

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં કાર્યરત ઈનરવ્હીલ ક્લબ ઑફ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ પર થતા અત્યાચારો અને તેમની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ સેમિનાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 'બેટી બચાવો - બેટી પઢાવો' યોજના અંતર્ગત યોજાયો હતો.

આ કાર્યક્રમનું આયોજન આજરોજ, 2જી ડિસેમ્બરના રોજ, રોટરી ક્લબ ખાતે બપોરે 3.00 થી 5.00 સુધી કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ આયોજનમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને હાલના ઈનરવ્હીલ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા મુખ્ય આયોજક તરીકે રહ્યા હતા. સેમિનાર પહેલા શહેરના મુખ્ય માર્ગો પર જાગૃતિકરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

'ઓરેન્જ ધ વર્ડ'ની થીમ પર માર્ગદર્શન

કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી વી. એસ. શાહ અને દહેજ પ્રતિબંધક અધિકારી તથા રક્ષણ અધિકારી એન. એચ. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 50થી વધુ મહિલાઓને સ્ત્રીઓ પર થતા અત્યાચારો, કાયદાકીય જોગવાઈઓ અને મહિલા સુરક્ષા માટેની સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેમિનારનું આયોજન યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા દર વર્ષે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ઘરેલુ હિંસાથી પીડિત બહેનોના લીસ્ટિંગ માટે ચાલતા "ઓરેન્જ ધ વર્ડ" કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ઈનરવ્હીલ ક્લબ ઑફ સુરેન્દ્રનગરે આ વૈશ્વિક ઈનિશિએટીવમાં સક્રિય ભાગ લઈને આજે, 2જી ડિસેમ્બરના દિવસને "ઓરેન્જ ધ વર્ડ" તરીકે ઉજવ્યો હતો. વિશ્વના 200થી વધુ દેશોમાં ઈનરવ્હીલ ક્લબ્સ દ્વારા આ પ્રકારે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

આ સફળ આયોજન માટે ઈનરવ્હીલ ક્લબ ઑફ સુરેન્દ્રનગરના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, સેક્રેટરી સ્વાતિ શાહ, પ્રોજેક્ટ ચેરમેન સોનલ દવે અને લીના છાટબાર તેમજ ક્લબના અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ મહિલાઓને તેમના હક્કો અને સુરક્ષા અંગે માહિતગાર કરવાના હેતુને સાર્થક કરે છે.

Post a Comment

0 Comments