સુરેન્દ્રનગરના કરાટેવીરોનો ઝળહળતો વિજય: ગુજરાત વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપમાં ૬૩ મેડલ્સ સાથે ઝાલાવાડનું ગૌરવ વધાર્યું

સુરેન્દ્રનગર. : આણંદ ખાતે યોજાયેલી ગુજરાત વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૫માં સુરેન્દ્રનગરના કરાટેવીરોના શાનદાર પ્રદર્શનથી સમગ્ર જિલ્લામાં આનંદની લહેર ફેલાઈ છે. આણંદના પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં રાજ્યભરના ૪૮૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સુરેન્દ્રનગરના ૬૧ પ્રતિભાશાળી ખેલાડીઓએ પોતાની કુશળતા અને દમખમથી મેદાનમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.

આ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ખેલાડીઓએ કુલ ૬૩ મેડલ્સ જીત્યા છે, જેમાં ૧૬ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ મેડલ્સનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ વિવિધ વય અને વજન વર્ગોમાં ‘કુમિતે’ (ફાઈટ) વિભાગમાં ભાગ લઈ પ્રતિસ્પર્ધીઓને કડક ટક્કર આપી હતી. તેમની શિસ્ત, ટેકનિક અને આત્મવિશ્વાસે પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

આ સફળતા પાછળ કોચ અને ટેકનિકલ નિર્દેશકોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. હાંશી અરવિંદ રાણા, શિહાન ચક્રબહાદુર દમાઈ, સેન્સાઈ મહેશ દમાઈ અને સેન્સાઈ ભાવેશ ગુરખાએ ખેલાડીઓને માર્ગદર્શન આપી ભવિષ્ય માટે પ્રેરણા આપી છે. 

આ વિજય માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પણ તેમના વાલીઓ અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ આગામી પેઢીના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજળું કરશે.

Post a Comment

0 Comments