સુરેન્દ્રનગર : વર્તમાન સમયમાં પોલીસ કામગીરીમાં ટેકનોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે, ત્યારે યુવા પેઢી આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી વાકેફ થાય તેવા ઉમદા હેતુ સાથે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા એક વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) પાર્થ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ તાજેતરમાં SGVP રાજકોટ સંસ્થા સંચાલિત સુરેન્દ્રનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષકની કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીનું નિદર્શન
આ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને ખાસ કરીને 'નેત્રમ' (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. પરમાર અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી (CCTV) કેમેરા કઈ રીતે ત્રીજી આંખ સાબિત થઈ રહ્યા છે, તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે:
* શહેરના વ્યૂહાત્મક સ્થળોએ ઇન્સ્ટોલ કરેલા કેમેરા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર કેવી રીતે નજર રાખવામાં આવે છે.
* કોઈપણ ગુનો બન્યા બાદ ટેકનોલોજીની મદદથી આરોપીઓ સુધી કઈ રીતે ઝડપથી પહોંચી શકાય છે.
* ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) દ્વારા કેવી રીતે ઈ-ચલણ જનરેટ થાય છે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે આદર કેળવવાનો અને પોલીસની કાર્યપદ્ધતિમાં પારદર્શિતા લાવવાનો હતો. સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના જિજ્ઞાસાપૂર્વકના પ્રશ્નોના ઉત્તરો આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના શિક્ષકો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

0 Comments