સુરેન્દ્રનગર : જિલ્લાના જોરાવરનગર ખાતે આવેલ પાવન નીલકંઠ મહાદેવ મંદિરમાં ગીતા જયંતિના પવિત્ર અવસરે ‘ઘર ઘર ગીતા અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનું આયોજન કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય હેતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનમૂલ્ય આધારિત જ્ઞાનને દરેક ઘરમાં પહોંચાડવાનો હતો, જેથી સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધે.
આ કાર્યક્રમમાં મંદિરના મહિલા મંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગીતાના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું, જેમાં ભક્તોએ ભજન-કીર્તન અને શ્લોકોચ્ચારણ દ્વારા ગીતા મહાત્મ્યને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા કથાકાર શ્રી દિલીપભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનલક્ષી સંદેશો અને આધ્યાત્મિક જ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને આત્મમંથન માટે પ્રેરિત કર્યા હતા. તેમણે ગીતાના શ્લોકો દ્વારા જીવનમાં કર્તવ્યપથ પર અડગ રહેવાની પ્રેરણા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણચંદ્ર મૂળવંતરાય આચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા સમાજસેવક દુષ્યંતભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, “આ અભિયાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક જાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ છે. ગીતાનું જ્ઞાન જીવનને સાચા માર્ગે દોરી શકે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.”
આ કાર્યક્રમ દ્વારા ‘ઘર ઘર ગીતા અભિયાન’ને લોકમેળાવા મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

0 Comments