હડાળા ભાલમાં સેવાનો ત્રિવેણી સંગમ: વિદ્યાર્થીનીઓ માટે સ્પોર્ટ્સ કીટ અને પુસ્તકોનું વિતરણ

સુરેન્દ્રનગર : જિલ્લાના લીંબડી પંથકમાં આવેલ હડાળા ભાલ ગામે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ યોજાયો હતો. ગામના સાર્વજનિક રાહત મંડળ દ્વારા માધ્યમિક શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ઉમદા પહેલ કરવામાં આવી હતી.

ગામના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની બહેનોને સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી, જેથી ગ્રામીણ કક્ષાએ રહેલી ખેલ પ્રતિભાને યોગ્ય વેગ મળી શકે. આ ઉપરાંત, શાળાના વહીવટી કાર્યને સરળ બનાવવા માટે પ્રિન્ટર મશીન અને વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીમાં નવા પુસ્તકો પણ ભેટ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ (જિનવાળા) એ સંસ્થાના ઇતિહાસ અને ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હડાળા ભાલ સાર્વજનિક રાહત ટ્રસ્ટ વર્ષ 1960 થી કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે રૂ. 8 થી 10 લાખ જેટલું માતબર ભંડોળ ગામના વિવિધ સેવાકાર્યો માટે ફાળવવામાં આવે છે. ગામમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાન માટે ટ્રસ્ટ સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ પટેલ, શાળાનો શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવારે ટ્રસ્ટની આ ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર હડાળા ભાલ ગામમાં ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા થઈ હતી.

રિપોર્ટર: અશ્વિનસિંહ રાણા, લીંબડી

Post a Comment

0 Comments