સુરેન્દ્રનગર : વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વાચા આપવા અને કલા પ્રત્યે રુચિ વધારવા માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે ‘કલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ બી. આર. સી. ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.
આ કલા ઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાની દીકરીઓએ સંગીત ગાયન અને બાલ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની મૌલિકતા અને કલા કૌશલ્ય રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા.
સ્પર્ધાના અંતે જાહેર થયેલા પરિણામોમાં ‘બાલ કવિ’ વિભાગમાં શાળાની તેજસ્વી વિદ્યાર્થિની ખાંભલા રૂચા વાઘાભાઈએ પોતાની સુંદર કાવ્ય પ્રસ્તુતિ દ્વારા સમગ્ર તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. રૂચાની આ સિદ્ધિ તેની મહેનત અને સાહિત્ય પ્રત્યેના લગાવનું પરિણામ છે.
રૂચાની આ પ્રશંસનીય સફળતા બદલ શાળાના આચાર્યા ઉર્મિલાબેન અમદાવાદીયાએ તેને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરી હતી. આચાર્યાએ જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે સાથે આવી ઇતર પ્રવૃત્તિઓ જ વિદ્યાર્થીના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. સમગ્ર શાળા પરિવાર અને શિક્ષકગણે પણ વિજેતા વિદ્યાર્થિની અને ભાગ લેનાર તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે.
આ સફળતાથી શાળામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

0 Comments