સુરેન્દ્રનગરમાં ૭૮મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગર ખાતે શહેર યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયા દ્વારા ધ્વજ વંદનથી કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, શહેરમાં રૂટ માર્ચ અને બાઇક રેલીનું આયોજન પણ કરાયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા, જે હોમગાર્ડઝના જવાનોની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભવ્ય કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર યુનિટના કુલ ૨૦૦ હોમગાર્ડઝ સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લલિતભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ પી. રાણા (પી.આર.ઓ.), કંપની કમાન્ડર કિશોરસિંહ જી. પરમાર, હેડ ક્લાર્ક વિજયભાઈ એસ. પરમાર, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રકટર ચંદ્રસિંહ એચ. ડોડીયા, તેમજ એન.સી.ઓઝ અને મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે જીલ્લાકક્ષા/ઝોનકક્ષા હોમગાર્ડઝ રમતોત્સવમાં વિજેતા બનેલા જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકા યુનિટોમાં પણ રૂટ માર્ચ, પ્રભાતફેરી, ધ્વજ વંદન, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન જેવા સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા.

 જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયાએ તમામ યુનિટ અધિકારીઓનો આ સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments