પરનાળા ખાતે 'પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન' અંતર્ગત મફત આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના ગામોમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), પરનાળા ખાતે તાજેતરમાં એક દિવસીય મફત આરોગ્ય નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ પરનાળા ગામ તેમજ નજીકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોએ લીધો હતો.

મેડિકલ ઓફિસર ડોક્ટર હેમાલી પરીખ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ના ડોક્ટર ચિરાગ શ્રીગોડની દેખરેખ હેઠળ આ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ૪૯ જેટલી જોખમી તથા અતિ જોખમી સગર્ભા મહિલાઓની સઘન તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, ૮ જેટલી સગર્ભા માતાઓમાં એનીમિયા (પાંડુતા)નું નિદાન થતાં તેમને તાત્કાલિક સારવાર અને જરૂરી ઇન્જેક્શન્સ આપવામાં આવ્યા હતા. વધુમાં, ૬ સગર્ભા માતાઓને આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત મફત સારવાર મળી રહે તે માટે તેમના કાર્ડ પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા, જે સરકારની ગરીબોને આરોગ્ય કવચ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તમામ એન્ટિનેટલ કેર (ANC) સંબંધિત આવશ્યક તપાસો, જેમ કે હિમોગ્લોબિન, સિફિલિસ, એચઆઇવી, એચબીએસએજી, અને બ્લડ ગ્રૂપના રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, તમામ સગર્ભાઓનું બ્લડ પ્રેશર અને આરબીએસ (Random Blood Sugar - લોહીમાં શર્કરાનું પ્રમાણ) પણ ચકાસવામાં આવ્યું હતું. માતાઓ અને તેમના બાળકના પોષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તેમને પૌષ્ટિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવ્યો હતો.

ડોક્ટર્સની ટીમે જોખમી સગર્ભા માતાઓની ડિલિવરી બાદ તેમના બાળકોના આરોગ્યની પણ તપાસ કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આરોગ્ય કેમ્પ પરનાળા અને આસપાસના ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો, જેણે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યો હતો.

રિપોર્ટર : અશ્વિનસિંહ રાણા - લીંબડી 

0 Comments