સુરેન્દ્રનગર : ગુજરાત કક્ષાનું બ્રહ્મ મહાસંમેલન રવિવારે રાજકોટના અટલ સરોવર ખાતે ભવ્ય રીતે યોજાઈ ગયું. આ સંમેલનમાં રાજ્યભરમાંથી અંદાજે ૨૦,૦૦૦થી વધુ બ્રાહ્મણ સમાજના ભાઈઓ-બહેનો એકત્રિત થયા હતા.
આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ બ્રાહ્મણ સમાજની રાજકીય અને સામાજિક અવગણનાના જૂના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અને સંગઠિત અવાજ ઉઠાવવાનો હતો. સમાજના અગ્રણીઓએ એક મંચ પરથી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી હતી.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના બ્રહ્મ અગ્રણી હરદીપભાઈ શુક્લની ખાસ ઉપસ્થિતિ જોવા મળ્યા હતા. તેમણે સમાજની એકતા અને સંગઠન પર ભાર મૂક્યો હતો. મોટી સંખ્યામાં ભૂદેવોની હાજરીથી આ સંમેલન શક્તિ પ્રદર્શનની સાથે સાથે સમાજના સંગઠન અને જાગૃતિનું પ્રતીક બન્યું હતું. રાજકીય પક્ષો અને સમાજ સમક્ષ પોતાની વાત અસરકારક રીતે પહોંચાડવા માટે આ સંમેલન એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે.


0 Comments