સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક કાર્યવાહી

સુરેન્દ્રનગર : શહેરમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા અમલમાં મૂકાઈ રહી છે.

આ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અંદાજે દોઢથી બે ટન જેટલો બિન-અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી રૂ. ૧ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળે છે કે મહાનગરપાલિકા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે.

કમિશનર ડો. નવનાથ ગવ્હાણે એ શહેરના તમામ પ્લાસ્ટિક વિતરણકર્તા અને વેપારીઓને ચેતવણી આપી છે કે તેઓ માત્ર સરકાર દ્વારા માન્ય પ્લાસ્ટિકનો જ ઉપયોગ અને વેચાણ કરે. જો કોઈ વેપારી સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતો પકડાશે, તો માત્ર દંડ નહીં પરંતુ તેમની દુકાન કે મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

મહાનગરપાલિકા તરફથી વેપારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ચેતવણીને ગંભીરતાથી લે અને કાયદાનું પાલન કરે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાનો છે. મહાનગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

આ રીતે, મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાં સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સહન નહીં કરવામાં આવે તેવો સંદેશ આપ્યો છે.

Post a Comment

0 Comments