સુરેન્દ્રનગર : શહેરમાં આજે મનરેગા કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફાર સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં સેંકડો કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૫માં તત્કાલીન યુપીએ સરકારે ગ્રામીણ ગરીબોને રોજગારીની કાયદેસર સુરક્ષા આપવા માટે ‘મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ’ (MNREGA) અમલમાં મૂક્યો હતો. પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ‘VB-GRAM G’ વિધેયકમાં મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવાની હિલચાલ કરવામાં આવી છે. નૌશાદ સોલંકીએ આ પગલાને રાષ્ટ્રપિતાનું અપમાન ગણાવ્યું હતું અને જણાવ્યું કે, “ગાંધીજીનું નામ દૂર કરવું એ દેશના મૂલ્યો અને વારસાની અવગણના છે.”
કોંગ્રેસે આ વિધેયકને માત્ર નામ બદલવાનો પ્રયાસ નહીં ગણાવી, પરંતુ ગરીબોની રોજગારીની કાયદાકીય ગેરંટી પર સીધી તરાપ ગણાવી છે.
આવેદનમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે:
- કાયદાકીય ગેરંટીનો અંત: મૂળ કાયદો ૧૦૦ દિવસની રોજગારીની ખાતરી આપે છે, જ્યારે નવું વિધેયક આ જોગવાઈને નબળી પાડે છે.
- ચોમાસામાં કામ પર પ્રતિબંધ: નવા વિધેયકમાં ચોમાસા દરમિયાન ૬૦ દિવસ કામ બંધ રાખવાની જોગવાઈ છે, જે સતત રોજગારીના હક્કને ખંડિત કરે છે.
- ગરીબ વિરોધી નીતિ: કોરોના મહામારી દરમિયાન જે કાયદાએ લાખો પરિવારોને સહારો આપ્યો, તેને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસે સરકારને આ વિધેયક તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.

0 Comments