સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. C.U. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જિલ્લાની સૌપ્રથમ WHIPPLE સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સર્જરી અત્યંત જટિલ માનવામાં આવે છે અને સામાન્ય રીતે તેના સફળતાનો દર માત્ર 50% જેટલો હોય છે.
આ સિદ્ધિ પાછળ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને તજજ્ઞોની અદભૂત ટીમવર્ક અને નિપુણતા છે. સર્જરી વિભાગના ડૉ. કમલેશ ગલાણી અને ડૉ. હરેશ મેમરિયા, કેન્સર નિષ્ણાત ડૉ. ભાવિક વસોયા, અનેસ્થેસિયા વિભાગના ડૉ. રીના ગઢવી અને ડૉ. નંદન ઉપાધ્યાય સહિતની ટીમે 10 કલાક સુધી ચાલેલી આ સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
દર્દી છેલ્લા ઘણા સમયથી ભૂખ ન લાગવી, મોઢામાં ચાંદા પડવી, કબજીયાત અને કમળાના લક્ષણોથી પીડાતા હતા. સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી દ્વારા પિત્તાશયની નળીમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું. ડૉ. ચિંતન ટેલર દ્વારા કરવામાં આવેલી તપાસ અને બાયોપ્સી-સીટી સ્કેનના આધારે દર્દીને નાના આંતરડા પાસે ખુલતી પિત્તની નળીના ભાગમાં કેન્સર હોવાનું નિદાન થયું.
આ પ્રકારનું કેન્સર દુર્લભ છે અને તેનું ઓપરેશન અત્યંત જટિલ ગણાય છે. છતાં, હોસ્પિટલની ટીમે આ પડકારને સ્વીકારી સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ખાસ વાત એ છે કે આ ઓપરેશન સામાન્ય રીતે લાખો રૂપિયાનો ખર્ચ માંગે છે, પરંતુ દર્દીને આયુષ્માન ભારત યોજના હેઠળ સંપૂર્ણ મફતમાં સારવાર આપવામાં આવી.
હોસ્પિટલમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સહયોગથી છેલ્લા સમયમાં આધુનિક સાધનો, નવી ઇમારતો અને વિશેષજ્ઞ તબીબોની નિમણૂક થવાથી આરોગ્યસેવામાં નોંધપાત્ર સુધારો થયો છે.
આ સફળતા માત્ર એક સર્જરીની નથી, પણ સમગ્ર જિલ્લામાં આરોગ્યસેવાના નવા યુગની શરૂઆત છે. C.U. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ હવે વધુ દર્દીઓને શ્રેષ્ઠ અને સસ્તી સારવાર આપવાની દિશામાં આગળ વધી રહી છે.

0 Comments