સુરેન્દ્રનગર : ઝાલવાડ પંથકમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 5,420 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી સરકારી તિજોરીમાં ₹4.53 કરોડથી વધુની આવક થઈ છે.
વર્ષ 2025માં કામગીરીમાં નોંધપાત્ર વધારો
આરટીઓ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, જાન્યુઆરી થી ડિસેમ્બર 2025 દરમિયાન આરટીઓ ની વિવિધ ટીમોએ જિલ્લાના હાઈવે અને મુખ્ય માર્ગો પર સતત વોચ રાખી હતી. ગત વર્ષ 2024ની સરખામણીએ આ વર્ષે કાર્યવાહીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2024માં કુલ 4,091 કેસ નોંધી ₹3.95 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જેની સામે વર્ષ 2025માં કેસોની સંખ્યા વધીને 5,420 થઈ છે અને દંડની રકમ ₹4,53,39,702 સુધી પહોંચી છે.
નિયમભંગ કરનારાઓમાં ફફડાટ
આરટીઓ અધિકારી પી.કે. પટેલના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ઓવરલોડ વાહનો અને પરમિટ વિના દોડતા વાહનો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સઘન ચેકિંગને કારણે અગાઉ બેફિકર બનીને ફરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આરટીઓ વિભાગ દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ વાહનચાલકોને દસ્તાવેજો પૂર્ણ રાખવા અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે સતત સમજણ પણ આપવામાં આવી રહી છે.
ટ્રાફિક શિસ્તમાં સુધારો
સતત ચેકિંગ અને મોટી રકમના દંડને પરિણામે જિલ્લાના માર્ગો પર ટ્રાફિક શિસ્તમાં સુધારો જોવા મળી રહ્યો છે. માર્ગ અકસ્માતો ઘટાડવા અને ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આરટીઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

0 Comments