સુરેન્દ્રનગર 77માં પ્રજાસત્તાક પર્વ પર શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલનો દબદબો; સાંસ્કૃતિક કૃતિમાં દ્વિતીય સ્થાન મેળવ્યું

સુરેન્દ્રનગર : સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રંગે રંગાયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન મારી લીધું છે. જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમમાં શાળાની કૃતિએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણી રચિત અમર કૃતિ "કસુંબીનો રંગ" પર પારંપરિક નૃત્ય રજૂ કર્યું હતું. શૌર્ય અને સંસ્કૃતિના સંગમ સમાન આ પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાળાની આ ભવ્ય સફળતા બદલ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે શાળાના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદીયા તથા સમગ્ર ટીમને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સફળતા પાછળ શાળાના તમામ સ્ટાફ પરિવારની ભારે જહેમત રહેલી છે. એક તરફ 50 બાળકો સ્ટેજ પર કૌશલ્ય બતાવી રહ્યા હતા, તો બીજી તરફ ધોરણ 8 ના અન્ય વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ પર વ્યવસ્થાપનની જવાબદારી નિભાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ બદલ આચાર્યશ્રીએ સમગ્ર વિદ્યાર્થી સંઘ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

0 Comments