શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક યુનિટનો 82મો વાર્ષિકોત્સવ ઉજવાયો: 350થી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા 300 પ્રોજેક્ટ્સ

સુરેન્દ્રનગર : શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક યુનિટના ત્રિ-વિભાગીય સંસ્થાઓ—શ્રી મણિલાલ કોઠારી બાલમંદિર, શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિર અને શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલ દ્વારા તા. 08 જાન્યુઆરી 2026ના રોજ 82મો વાર્ષિકોત્સવ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવાયો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ વિનોદીનીબેન શાહના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ પારસભાઈ શાહ, મંત્રી અતુલભાઈ પાટડીયા તથા કારોબારી સભ્યો સુધાબેન વસાણી અને સ્વાતિબેન ઓઝાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાંથી એએસપી વેદિકા મેડમ ઉપસ્થિત રહ્યા હતા. સાથે BRC કોર્ડિનેટર નરેશભાઈ બદ્રેશિયા, CRC કોર્ડિનેટર કેતનભાઈ ચૌહાણ અને વિવિધ હાઈસ્કૂલોના આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા.

શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને પરિચય આપ્યો. શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિરના આચાર્ય રીંકુબેન ક્રિશ્ચિયને શાળાની પ્રવૃત્તિઓ રજૂ કરી. ઉદ્ઘાટન સમારંભમાં પ્રાર્થના, અભિનય ગીત અને દેશભક્તિ ગીતો દ્વારા ભાવનાત્મક માહોલ સર્જાયો.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે બાલમંદિરથી ધોરણ 8 સુધીના 350 વિદ્યાર્થીઓએ 11 વિષયોમાં 300 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. તેમાં મોન્ટેસરી પદ્ધતિ, સ્વામી વિવેકાનંદના જીવન પર ઝાંખી, ગાણિતિક મોડલ્સ, ભાષાની ભવ્યતા, બેંકિંગ સિસ્ટમ, ભારતીય સંસ્કૃતિના નૃત્યો અને કિલ્લાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, અંધશ્રદ્ધા નિવારણ, કોમ્પ્યુટર લેબમાં પ્રયોગો, તેમજ મહેંદી, રંગોળી, સલાડ ડેકોરેશન અને હેર સ્ટાઈલ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો.

વિદ્યાર્થીઓના વ્યવસાયિક કુશળતા વિકાસ માટે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી વાનગીઓ સાથે ફૂડ સ્ટોલ પણ ગોઠવાયા હતા. માર્કેટિંગ, વ્યવહાર અને મેનેજમેન્ટના ગુણોનો વિકાસ થાય તે હેતુથી સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.

એએસપી વેદિકા મેડમે વિદ્યાર્થીઓને સુરક્ષા અને સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપ્યું અને 1930 હેલ્પલાઇન વિશે માહિતી આપી. નરેશભાઈ બદ્રેશિયા અને ઓઝા સાહેબે સમગ્ર આયોજનની પ્રશંસા કરી અને આચાર્યશ્રીઓ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.

આ પ્રદર્શનને 1500થી વધુ મુલાકાતીઓએ નિહાળ્યું. SMC સભ્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો. સમગ્ર આયોજન માટે બંને આચાર્યશ્રીઓએ અને 15 શિક્ષકોએ છેલ્લા 8 દિવસથી સતત મહેનત કરી હતી. 

આ કાર્યક્રમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.

Comments

GJ13NEWS

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા