સુરેન્દ્રનગરમાં ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: 'અહિંસા ભક્તિ' અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સંપન્ન

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રની ધરા પર પ્રથમ વખત માનવતા અને જીવદયાના ઉમદા હેતુ સાથે આયોજિત 'ભવ્ય અહિંસા ભક્તિ', 'શ્યામ શબદ' અને 'બ્લડ ડોનેશન મહાયજ્ઞ' કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમે સમગ્ર સુરેન્દ્રનગરને ભક્તિમય અને પવિત્ર બનાવી દીધું હતું.

ભક્તિ અને માનવતાનું અનોખું મિલન

આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ અને અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 6000થી વધુ જૈન ભાઈ-બહેનો અહિંસા ભક્તિમાં જોડાયા હતા. તેની સાથે જ 'શ્યામ શબદ' કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો અને કૃષ્ણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમાં લીન થઈ એક અવિસ્મરણીય માહોલ સર્જ્યો હતો. રક્તદાન શિબિરમાં પણ યુવાઓ અને સેવાભાવી નાગરિકોએ હોંશે હોંશે રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મુખ્ય આકર્ષણ અને યુવા નેતૃત્વ

આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ભવ્ય ગાંધી (ટપુ) રહ્યા હતા, જેમની ઉપસ્થિતિએ યુવાનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. આ સમગ્ર આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે, જૈન ધર્મના ચારેય ફિરકાના શ્રી સંઘો અને મંડળોએ ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને નેતૃત્વ 35 વર્ષથી ઓછી વયના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.આ સફળ આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શશાંક ગાંધી, કૃણાલ મહેતા, અને ગુંજન સંઘવી તેમજ અહિંસા યુવા સંગઠનના કાર્યકરોની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. 

Post a Comment

0 Comments