સુરેન્દ્રનગર: વિધવા મહિલાઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1999થી સંચાલિત આ ટ્રસ્ટ દ્વારા સંસ્થામાં નોંધાયેલા 1000 વિધવા મહિલાઓને 1300 કિલોગ્રામ ઊંધિયું અને 150 કિલોગ્રામ બુંદીના લાડૂનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન જાણીતા સમાજસેવક ડૉ. રૂદ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જાણીતા જૂની પેઢીના બિલ્ડર શ્રી માધવલાલ પરમારના વરદહસ્તે દીપપ્રગટિથી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ડૉ. ઈરફાન વોરા, ક્ષત્રિય અગ્રણી શ્રી બહાદુરસિંહ પરમાર, કમળાબા પરમાર, પ્રકાશભાઈ રાવલ, પ્રિતેશ પરીખ, મનીષભાઈ ચાંદપુરા અને છાયાબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષતા એ રહી કે આ વિતરણ કાર્યક્રમ માત્ર શહેર સુધી સીમિત ન રહી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની વિધવા મહિલાઓને પણ લાભ મળ્યો. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું, જ્યારે કાર્યક્રમની સફળતા માટે આનંદ રાવલ અને નિર્ધાર ટીમની બહેનો દ્વારા અહમ ભૂમિકા નિભવાઈ હતી.
ઉતરાયણ પર્વના પાવન અવસરે નિઃશુલ્ક ઊંધિયા અને લાડૂ મળતાં વિધવા મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. નિર્ધાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજસેવાના ક્ષેત્રે એક અનોખું પગલું સાબિત થયું છે.



0 Comments