ગુજરાત ટાઇટન્સે સુરેન્દ્રનગરથી જુનિયર ટાઇટન્સની ત્રીજી એડિશનનો આરંભ કર્યો, બાળકોમાં આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિ પ્રત્યે ઉત્સાહ જગાવવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર, : 17 જાન્યુઆરી, 2026 – ગુજરાત ટાઇટન્સે પોતાની લોકપ્રિય પહેલ ‘જુનિયર ટાઇટન્સ’ની ત્રીજી એડિશનની શરૂઆત સુરેન્દ્રનગરથી કરી છે. “લેટ્સ સ્પોર્ટ આઉટ!” ની ભાવનાને આધારે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ પહેલનો પ્રથમ તબક્કો કેમ્બ્રિજ સ્કૂલ ઓફ એક્સીલન્સ ખાતે યોજાયો હતો, જેમાં ખાનગી અને સરકારી શાળાઓના 900થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એક દિવસીય આ કમ્યુનિટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વિવિધ મનોરંજક અને સમાવેશક રમતો તથા પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને એક્ટિવ લાઇફસ્ટાઇલ તરફ પ્રેરણા આપવામાં આવી.
ગુજરાત ટાઇટન્સ દ્વારા શરૂ કરાયેલ જુનિયર ટાઇટન્સ પહેલ અગાઉની બે એડિશનમાં રાજ્યના અનેક શહેરોમાં 10,000થી વધુ બાળકોને જોડીને શાળાઓ, માતાપિતા અને સ્થાનિક સમુદાય સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરી ચૂકી છે. આ પહેલ સ્પર્ધા કરતાં ભાગીદારી પર ભાર મૂકે છે અને બાળકોમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, “જુનિયર ટાઇટન હંમેશા રમતોને બાળકો તથા સમુદાયોની નજીક લઈ જવામાં માને છે. સુરેન્દ્રનગરમાં મળેલો પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. આઉટડોર સ્પોર્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિ માટે બાળકોને એક સમાવેશક પ્લેટફોર્મ આપવાનો અમારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.”
આ ત્રીજી એડિશન આગામી ચાર શહેરોમાં પણ યોજાશે. મોરબી (24 જાન્યુઆરી), અમરેલી (31 જાન્યુઆરી), આણંદ (7 ફેબ્રુઆરી) અને અમદાવાદ (14 ફેબ્રુઆરી) ખાતે દર શનિવારે જુનિયર ટાઇટન્સના ઇવેન્ટ્સ યોજાશે. આ પહેલ ગુજરાત ટાઇટન્સના પાયાના સ્તરે સમુદાય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવે છે.




Comments
Post a Comment