સુરેન્દ્રનગર: નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે વ્યવહારિક કૌશલ્યો વિકસે તે હેતુથી પ્રિ-વોકેશનલ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ જ દિશામાં એક પ્રશંસનીય કદમ ઉઠાવતા, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કીરચંદભાઈ કોઠારી (કે.કે.) મિડલ સ્કૂલમાં ગતરોજ એક વિશેષ 'પોટરી વર્કશોપ' (માટીકામ કાર્યશાળા) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનું સંચાલન શાળાની જ તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાહ ક્રિમા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતે જે શાળામાં ભણીને આગળ વધ્યા છે, ત્યાં જ વર્તમાન વિદ્યાર્થીનીઓને કંઈક નવું શીખવવાના ઉમદા હેતુથી ક્રિમાબેને આ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વર્કશોપમાં ધોરણ ૬ થી ૮ ની અંદાજે ૩૫ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આધુનિક યુગમાં ભાગ્યે જ જોવા મળતા કુંભારના ચાકડા પર જ્યારે આ વિદ્યાર્થીનીઓએ સ્વહસ્તે માટીને આકાર આપવાનું શરૂ કર્યું, ત્યારે તેમનો ઉત્સાહ ચરમસીમાએ હતો. વિદ્યાર્થીનીઓએ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ માટીમાંથી આકર્ષક નાના માટલા (કુંભ), સુંદર ફ્લાવરપોટ, સુશોભિત ડિશ અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવી હતી. ૩ કલાક સુધી ચાલેલા આ સત્રમાં માત્ર માટીકામ જ નહીં, પરંતુ વિદ્યાર્થીનીઓને આનંદ મળે તે માટે હળવી રમુજી રમતો અને જ્ઞાનવર્ધક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ અભ્યાસના ભાર વગર એક નવી કળા શીખવાનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદીયા અને શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે આવા પ્રિ-વોકેશનલ કાર્યક્રમોથી વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમને વિવિધ વ્યવસાયિક કૌશલ્યોની પ્રાથમિક સમજ મળે છે. વાલીઓએ પણ શાળાના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.


0 Comments