શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં 'એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ'નો ભવ્ય પ્રારંભ: શિક્ષણમાં નવા આયામો કંડારતા ૩૫ ઇનોવેશન

સુરેન્દ્રનગર: શિક્ષણ ક્ષેત્રે નવા વિચારો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સુરેન્દ્રનગર દ્વારા ૧૧માં જિલ્લા કક્ષાના 'એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દાદા ભગવાન ત્રિ-મંદિર ખાતે શુક્રવારથી શરૂ થયેલા આ બે દિવસીય મહોત્સવમાં શિક્ષણ જગતના અનોખા સંગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું હતું કે, "હું હૃદયથી હંમેશા એક શિક્ષક રહ્યો છું. તલાટીથી લઈને IPS સુધીની સફરમાં શિક્ષકની ભૂમિકા મારી સૌથી મનપસંદ રહી છે. આવા ઇનોવેશન્સ શિક્ષકોને શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે." આ તકે ડાયેટના વડા ડો. છગનભાઈ ટુડીયા, મહિપાલસિંહ જેતવત અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફેસ્ટિવલમાં જિલ્લાભરના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી ૩૫થી વધુ નવતર કૃતિઓ રજૂ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન એકાદશ સર્જનમ, ઇનોવેશન ફેસ્ટિવલની વિશેષ પુસ્તિકાનું વિમોચન કરાયું. તેમજ AI મોડ્યુલ શિક્ષણમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'ના પ્રભાવી ઉપયોગ માટેના મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યા.તેમજ શિક્ષણ અભિયાનના સહાયકો અને સહભાગી શિક્ષકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા.

આ બે દિવસીય ઉત્સવમાં ૫૦૦થી વધુ શિક્ષકો અને ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે તેવો અંદાજ છે. બપોરના સત્રોમાં શિક્ષણમાં બાળ પ્રવૃત્તિઓ અને આધુનિક પદ્ધતિઓ પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાનો પણ યોજવામાં આવ્યા છે. આ આયોજન સુરેન્દ્રનગરના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વનું સાબિત થશે.

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા