દેવયાનીબેનો ૮૦મો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો: ઉપાસના ટ્રસ્ટમાં કેક કાપી, ભોજન પીરસ્યું અને પતંગો વિતરણ
સુરેન્દ્રનગર : દેવયાનીબેને પોતાના ૮૦મા જન્મદિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમણે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘ઉપાસના દિવ્યાંગ ટ્રસ્ટ’ની મુલાકાત લઈ ત્યાંના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી અને આનંદ વહેંચ્યો.
આ પ્રસંગે સંસ્થાની અગ્રણી અંજનાબેને ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થા માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ બાળકોમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા વિકસે તે માટે પણ પ્રયત્નશીલ છે. બાળકોને હનુમાન ચાલીસાનું ગાન શીખવવામાં આવે છે, જેનાથી તેઓમાં આત્મવિશ્વાસ અને આનંદની ભાવના વિકસે છે.
દેવયાનીબેને પોતાના હાથે બાળકોને ભોજન પીરસી તેમને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. સાથે જ, ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ અને ફિરકીનું વિતરણ કરીને બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે શર્મિષ્ઠાબેન ત્રિવેદી, જયશ્રીબેન રાવલ, છાયાબેન શુક્લ તેમજ કલરવ ટ્રસ્ટના ભાવનાબેન શાહ અને ગીતાબા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટના સભ્યો દ્વારા દેવયાનીબેનને શુભેચ્છાઓ પાઠવી અને તેમના જીવનના આ વિશિષ્ટ તબક્કે સમાજસેવાના આ ઉદાહરણ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૌએ મળીને માનવતાના ભાવ સાથે એક યાદગાર ક્ષણોનો અનુભવ કર્યો.

Comments
Post a Comment