સુરેન્દ્રનગર: શહેરની જાણીતી સંસ્થા શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિર પ્રાથમિક શાળા ખાતે ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશભક્તિના માહોલમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના નાના બાળકો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવતા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ જેવા મહાનુભાવોના જીવન અને કવન વિશે પ્રભાવી સ્પીચ આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર મનમોહક ડાન્સ રજૂ કરી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ભરી દીધું હતું.
કાર્યક્રમમાં સૌથી આકર્ષક પાસું 'વિવિધ વેશભૂષા' સ્પર્ધા રહી હતી. જેમાં નાના ભૂલકાઓએ રાણી લક્ષ્મીબાઈ, ગાંધીબાપુ, લાલ બહાદુર શાસ્ત્રી, ભારત માતા, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પાત્રો ધારણ કરી આઝાદીના લડવૈયાઓને જીવંત કર્યા હતા.
શાળાના આચાર્ય રીંકુબેન ક્રિશ્ચયન દ્વારા બાળકોને પ્રજાસત્તાક દિનના બંધારણીય મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી અને બાળકોને દેશના જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, તમામ બાળકો અને સ્ટાફ મિત્રોએ રાષ્ટ્રગાન સાથે ઉત્સાહભેર ઉજવણીનું સમાપન કર્યું હતું.

0 Comments