સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાના વિદાય સમારોહમાં ભાવભીની વિદાય

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવનાર અર્જુન ચાવડાની બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી થતા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અધ્યક્ષસ્થાને રહ્યા હતા અને મહાનગરપાલિકાના તમામ વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફે ઉપસ્થિતિ નોંધાવી હતી.

વિદાય સમારોહમાં ડો. નવનાથ ગવ્હાણેએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે દુધરેજ, સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાઓના મહાનગરપાલિકામાં રૂપાંતર પછીના પ્રારંભિક તબક્કામાં અર્જુન ચાવડાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે તેઓની કાર્યશૈલી, નિર્ણય ક્ષમતા અને કાર્યક્ષમતા અંગે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે બદલી અને બઢતી નોકરીના સ્વાભાવિક ભાગ છે અને નવા કાર્યક્ષેત્રમાં પણ ચાવડા સફળતા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

નાયબ મ્યુનિસિપલ કમિશનર કલ્પેશ ચૌહાણે પણ પોતાના ઉદબોધનમાં અર્જુન ચાવડા સાથેની સહકારી કામગીરીના અનુભવો શેર કર્યા હતા અને તેમના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીના સમયગાળામાં ચાવડાએ સતત પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરી છે.

અર્જુન ચાવડાએ પોતાના પ્રતિસાદમાં મહાનગરપાલિકામાં કરેલી કામગીરીના સ્મરણો તાજા કર્યા અને સહયોગી અધિકારીઓ તથા કર્મચારીઓનો સહકાર અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમયગાળો તેમના માટે શીખવા અને વિકાસનો અવસર રહ્યો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પોતાના ભાવનાત્મક પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને અર્જુન ચાવડાને તેમના નવા કાર્યક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

0 Comments