સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ભૂકંપ: AAPના દિગ્ગજ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું રાજીનામું

સુરેન્દ્રનગર: ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગઢ ગણાતા સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના તેજતર્રાર ખેડૂત નેતા અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ કરપડાએ અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે.

કેજરીવાલને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી

રાજુભાઈ કરપડાએ પોતાનું રાજીનામું સીધું પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને મોકલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા ઘણા સમયથી પ્રદેશ સંગઠન અને પ્રદેશ અધ્યક્ષની કામગીરીથી નારાજ હતા. ખેડૂતોના પ્રશ્નો અને પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાના સુર સાથે તેમણે આ આકરો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

જેલવાસથી રાજીનામા સુધીની સફર

રાજુભાઈ કરપડાની ગણના આમ આદમી પાર્ટીના 'હોનહાર' અને લડાયક નેતા તરીકે થતી હતી. તાજેતરમાં બોટાદમાં થયેલા ચર્ચિત 'કડદા કાંડ' મામલે તેમણે ખેડૂતોના પક્ષે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે સુરેન્દ્રનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આગામી રણનીતિ અંગે સંકેતો આપ્યા હતા. જોકે, પ્રેસ કોન્ફરન્સના ગણતરીના દિવસોમાં જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

રાજકીય અસરો

રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાં રહીને અનેક ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં તેમની સારી એવી પકડ છે. તેમના જવાથી આમ આદમી પાર્ટીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બીજી તરફ, અન્ય પક્ષો તેમને પોતાની તરફ ખેંચવા માટે સક્રિય થયા હોવાની પણ ચર્ચાઓ છે.

0 Comments