સુરેન્દ્રનગરમાં મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય 'પાટોત્સવ' અને 'નવચંડી યજ્ઞ'નું આયોજન

સુરેન્દ્રનગર : શહેરમાં તાજેતરમાં ચતુર્વેદીય મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા આરાધ્ય દેવી શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. બ્રહ્મ સોસાયટી સ્થિત 'શ્રી ક્રિષ્ના મેમોરિયલ હોલ' ખાતે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર સંકુલમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારથી જ મંગલમય વાતાવરણમાં થઈ હતી. વિદ્ધાન શાસ્ત્રી ધવલભાઈ જોષી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મધુર સંગીતમય શૈલીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 'નવચંડી યજ્ઞ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞના મુખ્ય યજમાન પદે ભાનુપ્રસાદ વાસુદેવભાઇ ભટ્ટ તથા વનિતાબેન ભાનુપ્રસાદ ભટ્ટ બિરાજ્યા હતા. મંત્રોચ્ચાર અને આહુતિઓથી વાતાવરણ પવિત્ર અને દિવ્ય બની ગયું હતું.

આ પ્રસંગે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં જ્ઞાતીજનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન તથા યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ ભાવિકોએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિમાં એકતા અને સમરસતાના દર્શન થયા હતા.

આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

0 Comments