સુરેન્દ્રનગર : જિલ્લાના લીંબડી ખાતે નેશનલ હાઇવે પર સ્થિત રાજરાજેશ્વરધામ લાઇફ મિશન ખાતે એક આધ્યાત્મિક ઉત્સવનો ભવ્ય સમાપન થયો છે. લકુલીશ પરંપરાના પ્રખર સાધક અને બ્રહ્મલીન સદગુરૂ પૂજ્ય રાજર્ષિ મુનિજીના નવનિર્મિત સ્મૃતિ મંદિરમાં આયોજિત પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
આ મહોત્સવના કેન્દ્ર સ્થાને પૂજ્ય રાજર્ષિ મુનિજીનું નવનિર્મિત ભવ્ય સ્મૃતિ મંદિર રહ્યું હતું. આ મંદિરમાં પૂજ્ય મુનિજીની એક વિશાળ કદની સ્મૃતિ પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, યજ્ઞ અને પૂજન અર્ચન દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પાવન પ્રસંગે અનેક મહાનુભાવો અને સંતોએ હાજરી આપી આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં મુખ્યત્વે આઈ. કે. જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી, કિરિટસિંહ રાણા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી, લલિતકિશોરશરણજી બાપુ મહામંડલેશ્વર, સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ (મોટા મંદિર), આ ઉપરાંત, લકુલીશ પરંપરાના અન્ય સાધુ-સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા સેવકો અને અનુયાયીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો.
પૂજ્ય રાજર્ષિ મુનિજીએ જીવનભર યોગ અને આધ્યાત્મિકતાનો પ્રસાર કર્યો હતો. લીંબડી હાઇવે પર નિર્મિત આ સ્મૃતિ મંદિર હવે તેમના અનુયાયીઓ માટે આસ્થાનું પ્રતીક અને યોગ-સાધનાના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. મહાનુભાવોએ આ પ્રસંગે મુનિજીના જીવનકવનને યાદ કરી, સમાજમાં તેમના પ્રદાનની પ્રશંસા કરી હતી.

0 Comments