સુરેન્દ્રનગર નેત્રમ સીસીટીવીની મદદથી બે મહિલાઓને પરત અપાવ્યા ગુમ થયેલા મોબાઈલ

સુરેન્દ્રનગર : શહેરની સુરક્ષા અને જનતાની સેવા માટે કાર્યરત સુરેન્દ્રનગર પોલીસ ફરી એકવાર તેની કાર્યક્ષમતાને કારણે ચર્ચામાં છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર તથા એન. કે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પોલીસે ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરી બે અલગ-અલગ કિસ્સાઓમાં અરજદારોના ખોવાયેલા કિંમતી મોબાઈલ શોધી આપી મૂળ માલિકને પરત કર્યા છે.

કિસ્સો ૧: એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે રીક્ષામાં ભુલાયેલો મોબાઈલ પરત મળ્યો

પ્રથમ કિસ્સામાં, ગત તા. ૧૪/૦૨/૨૦૨૬ના રોજ વિરમગામ તાલુકાના કમીઢલા ગામના રહેવાસી નીતાબેન રાજુભાઇ ચારોલા સુરેન્દ્રનગર આવ્યા હતા. તેઓ એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી ડૉ. પંચોલીના દવાખાને સબંધીના ખબર-અંતર પૂછવા જઈ રહ્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાનો અંદાજે ₹૧૦,૦૦૦ની કિંમતનો સ્માર્ટફોન રીક્ષામાં જ ભૂલી ગયા હતા.

આ બાબતની જાણ 'નેત્રમ' (સીસીટીવી કંટ્રોલ રૂમ) ખાતે કરવામાં આવતા, પી.એસ.આઈ. ડી.એલ. ઝેઝરીયા અને તેમની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ દ્વારા રીક્ષા નંબર GJ-01-DX-4834ની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રીક્ષા ચાલક બહારગામ ગયા હતા, પરંતુ પોલીસે તેમનો સંપર્ક કરી રીક્ષા ચાલકની પત્ની પાસેથી મોબાઈલ મેળવી નીતાબેનને સુપરત કર્યો હતો.

કિસ્સો ૨: હોસ્પિટલ પાસે પડેલો ₹૧૫,૦૦૦નો મોબાઈલ શોધી કાઢ્યો

બીજા એક કિસ્સામાં, ગત તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ હળવદના રાનેકપર રોડ પર રહેતા જૈમીકાબેન કવિકુમાર ભુત સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ પાસે રીક્ષામાંથી ઉતરતી વખતે પોતાનો ₹૧૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ભૂલી ગયા હતા.

નેત્રમ ટીમે સીસીટીવી ચેક કરતા જણાયું હતું કે એક રીક્ષા ચાલકે આ મોબાઈલ ઉપાડ્યો હતો. સીસીટીવીની મદદથી રીક્ષા નંબર GJ-07-VW-3262 ટ્રેસ કરવામાં આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક સાધી મોબાઈલ મેળવ્યો હતો અને જૈમીકાબેનના પતિ કે.ડી. પટેલને તેમનો કિંમતી મોબાઈલ પરત સોંપ્યો હતો.

સુરેન્દ્રનગર પોલીસની આ કામગીરીથી જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. 'નેત્રમ' પ્રોજેક્ટ માત્ર ગુનાખોરી રોકવા જ નહીં, પણ નાગરિકોની ખોવાયેલી ચીજવસ્તુઓ પરત અપાવવામાં પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

0 Comments