સુરેન્દ્રનગર : શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વડગામ ખાતે તાજેતરમાં 'વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સન્માન સમારોહ' ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો. આ પ્રસંગે આગામી બોર્ડ પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ ₹20,000 ના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ભરતસિંહ ચાવડાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના વિકાસમાં અને રોજિંદા કાર્યોમાં મદદરૂપ થતા ગામના કુશળ કારીગરોનું સન્માન હતું. મિસ્ત્રી, લુહાર, સુથાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કડિયા, પેન્ટર, દરજી અને ખેડૂત સહિતના 10 શ્રમયોગીઓને શાલ ઓઢાડી સન્માનિત કરી શાળાએ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવો લક્ષ્મણભાઈ વણોલ (અધ્યક્ષ) તેમણે વ્યવસાયિક શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને રાષ્ટ્ર સેવામાં શિક્ષણની ભૂમિકા સમજાવી. તેમજ મહિલાઓ દ્વારા પરિવારમાં સંસ્કારી વાતાવરણના નિર્માણ વિશે વાત કરી. તેમજ મનહરસિંહ ઝાલાએ સમાજમાં સદભાવના કેળવી રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓના યોગદાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે રણજીતસિંહ ઝાલાએ 'પંચ પરિવર્તન' વિષય અંતર્ગત વિદ્યાર્થીઓને જીવનલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું.
શાળાના ટ્રસ્ટી મોહનભાઈ પથાભાઇ ચાવડાએ પોતાની પૌત્રી પ્રિયંકાબાના લગ્ન પ્રસંગ નિમિત્તે સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મિષ્ટાન સાથે ભોજનની વ્યવસ્થા કરી હતી. વધુમાં, બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી ટ્રાન્સફર પેડ સહિતની કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટીઓ સર્વે ખેંગારભાઈ ડોડીયા, ગજાનંદભાઈ રાવલ, મોહનભાઈ ચાવડા, નારણભાઇ અને મલુભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક વશરામભાઇ, જીગરભાઇ, કનુભાઈ, નીલમબેન, શ્વેતાબેન અને અક્ષાબેને ભારે જહેમત ઉઠાવી હતી.




0 Comments