સુરેન્દ્રનગર : કબીરજી કહી ગયા કે જ્યાં સંત વસે ત્યાં વસંત વસે, હાલમાં એવું જ સુરેન્દ્રનગરમાં બન્યું. ભારતના મહાન સંત અને અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સુરેન્દ્રનગર મુકામે પધાર્યા ત્યારે શહેર ભવ્ય અને દિવ્ય ઉજવણીઓનું સાક્ષી બન્યું હતું.
આનંદભુવન ખાતે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના કલ્યાણકારી પ્રવચનમાં ભાગ લેવા હજારો ભાવિકો એકત્રિત થયા હતા. આ પ્રસંગે દુધરેજ સ્થિત શ્રી વડવાળા મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી કનીરામજી બાપુ, મોટા મંદિર લીંબડી નિમ્બાર્કપીઠના ગાદીપતિ પૂજ્ય શ્રી લલિત કિશોરદાસજી બાપુ અને ગણપતિ ફાટસરના પૂજ્ય મહંત શ્રી રામાશ્રયદાસ મહારાજે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું બહુમાન કર્યું હતું. સાથે સાથે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, બીજેપી જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ સમસ્ત જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરનાર મહાનુભાવો અને જાણીતી સામાજિક સંસ્થાઓના આગેવાનોએ પણ પૂજ્ય ગુરુદેવશ્રીના નિષ્કામ માર્ગદર્શન અને નિઃસ્વાર્થ ભાવથી થતી અનેકવિધ સેવાઓ બદલ બહુમાન વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે પદ્મભૂષણ જગદીશભાઈ ત્રિવેદી અને શાહબુદ્દીન રાઠોડ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ધનજીભાઈ પટેલ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના બોધ પ્રત્યેની વ્યાપક શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે. ખાસ હૃદયસ્પર્શી બાબત અહીં યુવાઓની ઉત્સાહસભર હાજરી હતી, જે યુવા પેઢીમાં આધ્યાત્મિકતાની વધતી પ્રાસંગિકતાનો પુરાવો હતો.
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રેરણાથી કાર્યરત અને આરોગ્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લોકોનો અતૂટ વિશ્વાસ સંપાદન કરનાર ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલનું સુકાન પોતાના સફળ અને અનુભવી હાથોમાં સંભાળ્યું છે અને હવે તેનું શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ નામકરણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પ્રવચનના કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ દ્વારા હોસ્પિટલના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ ધર્મયાત્રા દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના પાવન હસ્તે આંબેડકર ચોકથી એમ. પી. શાહ આર્ટ્સ કોલેજના પાછળના માર્ગનું ‘શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ’ નામકરણ કરવામાં આવ્યું હતું. જેને સર્વેએ ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી લીધું હતું. ત્યારબાદ કોઠારીયા સ્થિત સી. યુ. શાહ યુનિવર્સિટીના ૧૨માં પદવીદાન સમારોહમાં પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી વિધાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત વિશ્વવ્યાપી સામાજિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર હવેથી સી.યુ. શાહ મેડિકલ કોલેજનું સંચાલન કરનાર છે. અહીં પૂજ્ય ગુરુદેવશ્રીની પધરામણીને તમામ હોસ્પિટલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગામેગામથી આવેલા અનુયાયીઓ દ્વારા ભવ્ય સ્વાગતથી વધાવી હતી. અહીં તેઓશ્રીના શુભ હસ્તે શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૦ ફૂટ ઉંચી પ્રતિમાજીનું અનાવરણ થયું હતું. આ અવસરની હર્ષભેર અને ઉલ્લાસપૂર્વક ઉજવણીએ સમગ્ર વાતાવરણને ખૂબ ભક્તિમય અને આનંદમય બનાવ્યું હતું.
આમ, સુરેન્દ્રનગરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી જેવા દિવ્ય સંતની પાવન પધરામણી અનેક શુભ સંકેતો લાવી હતી. તેમની પ્રેરણાથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સુરેન્દ્રનગર જિલ્લામાં અધ્યાત્મ અને આરોગ્ય ક્ષેત્રે આધુનિકતા, નવી દિશા અને યથાર્થ માર્ગદર્શન પૂરું પાડી ઉત્તરોતર વિકાસ સાધી નવી ઊંચાઈઓ તરફ આગળ વધવા પ્રતિબદ્ધ છે.



0 Comments