અખિલ ભારતીય રબારી સમાજનો ભવ્ય હોળી મહોત્સવ અને ગૌશાળા ઉદ્ઘાટન

સુરેન્દ્રનગર : દુધરેજધામ ખાતે આવેલ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર પ્રાંગણમાં આ વર્ષે હોળી મહોત્સવ ૨૦૨૬ વિશેષ ભવ્યતા સાથે ઉજવાશે. દુધરેજ વડવાળા ધામ પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે ૫.પુ કનીરામદાસજી બાપુની અતિપ્રિય ગૌલોક શ્રી શીતલ ગાયની સ્મૃતિમાં નૂતન ગૌશાળા "શ્રી શીતલ ગૌશાળા"નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઐતિહાસિક સમારોહ તા. ૨ માર્ચ ૨૦૨૬, સોમવારના શુભ દિવસે યોજાશે. 

મહાનુભાવોનું આગમન

આ મહોત્સવમાં પ.પુ જગદગુરુ શંકરાચાર્યશ્રી દ્વારકા, પ.પુ રામાનંદાચાર્યશ્રી, પ.પુ મોરારીબાપુ સહિત ભારતભરના ૨૫૦ થી વધુ પ.પુ મહામંડલેશ્વરો, સંતો-મહંતો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો તથા આજુબાજુના ગામડાંમાંથી ૨ થી ૩ લાખ જેટલો વિશાળ જનસમુદાય આ પવિત્ર પ્રસંગે હાજરી આપશે.  

મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા

આ મહોત્સવમાં મહાપ્રસાદ માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે ૫૦,૦૦૦ લીટર દુધ, ૨૪,૦૦૦ કિલો મોહનથાળ, ૧૫,૦૦૦ કિલો ટોપરાપાક, ૬,૦૦૦ કિલો ગાંઠીયા, ૫,૦૦૦ કિલો ખમણ, ૫૦૦ ડબા શુદ્ધ ઘી, ૧,૨૦૦ ડબ્બા તેલ, ૧૨,૦૦૦ કિલો ખાંડ, ૨૨,૦૦૦ કિલો ચોખા, ૮,૦૦૦ કિલો તુવેર દાળ અને ૩૦,૦૦૦ કિલો ઘઉંનો લોટનો ઉપયોગ થશે. આ ભોજન વ્યવસ્થા માટે ૩૫૦ થી વધુ રસોયાઓ તથા ૨૦,૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. એક સાથે બે લાખ લોકો ભોજન કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.  

કાર્યક્રમોની શ્રેણી

સમગ્ર મંદિર પ્રાંગણને રોશનીથી શણગારવામાં આવ્યું છે. કાર્યક્રમોની શરૂઆત સવારે ૮:૩૦ વાગ્યે મહાયજ્ઞથી થશે. ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે ગૌશાળાનું લોકાર્પણ, ૧૧:૦૦ વાગ્યે ધર્મસભા, બપોરે ૩:૩૦ વાગ્યે રાજકીય તથા સામાજિક આગેવાનોનો સન્માન સમારંભ યોજાશે. સાંજે ૬ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ૬:૩૦ વાગ્યે હોલીકા દહન થશે. સંધ્યા આરતી ૭:૩૦ વાગ્યે તથા રાત્રે ૯ વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન છે, જેમાં ખ્યાતનામ કલાકારો સંતવાણીનો રસપાન કરાવશે.  

બીજા દિવસના કાર્યક્રમો

તા. ૩ માર્ચ ૨૦૨૬, મંગળવારે સવારે ૯:૦૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે. બપોરે ૧૨:૦૦ વાગ્યે ફુલડોલ આરતી તથા ધુળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.  

સમાજની એકતા અને શ્રદ્ધાનો પ્રતિક

આ ભવ્ય મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનો પણ પ્રતિક છે. રબારી સમાજની પરંપરા, શ્રદ્ધા અને ગૌસેવાના ભાવને ઉજાગર કરતો આ કાર્યક્રમ સમગ્ર સમાજને એકત્રિત કરી રહ્યો છે. ગૌશાળાનું ઉદ્ઘાટન ગૌસેવાના નવા અધ્યાયની શરૂઆત ગણાશે.  

આ રીતે દુધરેજધામમાં યોજાનાર હોળી મહોત્સવ ૨૦૨૬ અને "શ્રી શીતલ ગૌશાળા"નું ઉદ્ઘાટન સમગ્ર સમાજ માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

0 Comments