સુરેન્દ્રનગર : કહેવાય છે કે "દુઃખમાં જે સાથ આપે તે જ સાચો મિત્ર", પરંતુ જ્યારે એક દિવ્યાંગ વ્યક્તિ અન્ય દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું બીડું ઝડપે, ત્યારે તે સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. આવું જ કંઈક સેવાભાવી કાર્ય ધાંગધ્રાના રહેવાસી રાજેશભાઈ દેપાળા દ્વારા કરવામાં આવ્યું છે. પોતાની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને તેમણે અન્ય ૧૬ દિવ્યાંગોના જીવનમાં નવી ગતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
રાજેશભાઈની સતત મહેનત અને ફોલો-અપને કારણે નીચે મુજબની સહાય મંજૂર કરવામાં આવી છે:
* ૧૬ બેટરી સંચાલિત વાહનો: દિવ્યાંગોની અવરજવરની સમસ્યા હળવી કરવા માટે તેમણે ૧૬ વ્યક્તિઓને બેટરી ચાર્જિંગ વાહનો મંજૂર કરાવી આપ્યા છે, જેની ડિલિવરી ટૂંક સમયમાં લાભાર્થીઓને મળી જશે.
* ૦૫ રેલ્વે પાસ કન્સેશન: પાંચ દિવ્યાંગ વ્યક્તિઓને રેલ્વે મુસાફરીમાં રાહત મળી રહે તે માટે જરૂરી 'રેલ્વે પાસ કન્સેશન'ની સવલત પણ મંજૂર કરાવી આપી છે.
રાજેશભાઈ દેપાળાની આ કાર્યપદ્ધતિ દર્શાવે છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને સાત્વિક ભાવના હોય, તો કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે. એક દિવ્યાંગ જ બીજા દિવ્યાંગનું દર્દ સારી રીતે સમજી શકે છે, તે ઉક્તિને તેમણે સાર્થક કરી બતાવી છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા અને કર્તવ્યનિષ્ઠાને સમગ્ર ધાંગધ્રા પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
સમાજમાં જ્યારે નકારાત્મકતાનો વ્યાપ વધી રહ્યો હોય, ત્યારે રાજેશભાઈ જેવા વ્યક્તિઓ સેવાની જ્યોત પ્રગટાવીને અન્યો માટે દિશાસૂચક બને છે. તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ સમાજસેવા કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે.

0 Comments