સુરેન્દ્રનગર : ભારતભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા છેલ્લા ૧૦૦ વર્ષથી હિન્દુત્વ જાગરણ, સમાજ પરિવર્તન અને રાષ્ટ્ર સેવાના કાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે. સંઘના આ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરમાં વસતા હિન્દુ સમાજમાં ગૌરવ અને એકતાનો ભાવ જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ 'હિન્દુ સંમેલનો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે એક વિસ્તૃત બેઠક અને સમિતિની રચના કરવામાં આવી હતી.
સંઘે દેશ, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જે નિઃસ્વાર્થ સેવા આપી છે, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. નગરના વિવિધ વિસ્તારોમાં કુલ ૩૦થી વધુ સ્થળોએ આ હિન્દુ સંમેલનો યોજાશે. આ કાર્યક્રમો કોઈ એક સંસ્થા પૂરતા મર્યાદિત ન રહેતા, સંપૂર્ણ સમાજ દ્વારા અને સમાજના સહયોગથી જ સંપન્ન થશે.
મુખ્ય વિષયો અને ઉદ્દેશ્યોમાં આ સંમેલનોનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. જેમાં નીચે મુજબના પાયાના વિષયો પર ભાર મૂકવામાં આવશે જેમાં સામાજિક સમરસતા: જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતા સ્થાપવી, નાગરિક કર્તવ્ય: રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓનું ભાન કરાવવું. કુટુંબ પ્રબોધન: પારિવારિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવું. અને પર્યાવરણ જાગૃતિ: પ્રકૃતિના રક્ષણ માટે લોકજાગૃતિ લાવવી.
આ સમિતિના ગઠન પ્રસંગે શહેરના વિવિધ સંપ્રદાયના સંતો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. જેમાં સ્વામિનારાયણ ગુરૂકુળના શ્રી મહાત્મા સ્વામીજી, વઢવાણ ગુલાબસાહેબની જગ્યાના શ્રી કલ્યાણદાસજી બાપુ, લાલજી મહારાજની જગ્યાના શ્રી ગીરધર બાપુ, આર્ય સમાજના શ્રી આર્યબંધુજી, લોકસાહિત્યકાર શ્રી અનુભા ગઢવી, ઇસ્કોન મંદિરના શ્રી મુરલીમોહન દાસજી, નિરાંત આશ્રમના શ્રી દિવ્યાનંદજી બાપુ, સુરભી ગૌશાળાના શ્રી બહુલાગોપાલ સરસ્વતીજી અને શ્રી રવિશંકર બાપુ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે તમામ સંતોના હસ્તે ભારતમાતાના ફોટો, શ્રીફળ અને ભગવો ધ્વજ અર્પણ કરી સમિતિના સભ્યોને રાષ્ટ્રકાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નગરના ૩૦થી વધુ શ્રેષ્ઠીઓ અને સજ્જન શક્તિની સમિતિ બનાવીને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ આયોજનને સફળ બનાવવા સમગ્ર સુરેન્દ્રનગરના હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



0 Comments