સુરેન્દ્રનગર : શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ - રાજકોટ સંચાલીત સુરેન્દ્રનગરની શાખા ખાતે ગુજરાત સરકારના મહત્ત્વાકાંક્ષી Rashtriya Bal Swasthya Karyakram (RBSK) કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશાળ નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી આરોગ્યનું મૂલ્યાંકન કરી સમયસર સારવાર અને માર્ગદર્શન પૂરૂં પાડવાનો છે.
આ કેમ્પ દરમિયાન હેલ્થ ટીમના ડો. વિવેકસર પરમાર અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા વિદ્યાર્થીઓની વિગતવાર અને સુક્ષ્મ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં સામાન્ય શારીરિક ચકાસણી ઉપરાંત આંખ, કાન, નાક, ગળું, દાંત, ત્વચા તેમજ પોષણ સંબંધિત તપાસો કરવામાં આવી. વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, હિમોગ્લોબિન સ્તર અને લોહીની ટકાવારી તેમજ અન્ય જરૂરી આરોગ્ય પરિમાણોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું.
RBSK કાર્યક્રમ હેઠળ જન્મજાત તકલીફો, પોષણની અછત, વિકાસમાં વિલંબ, શારીરિક ખામીઓ તથા અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે ઓળખ કરી શકાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. જો કોઈ વિદ્યાર્થીમાં વિશેષ સારવારની જરૂરિયાત જણાઈ હોય તો તેને આગળની સારવાર માટે યોગ્ય આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી.
કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, પોષણયુક્ત આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તબીબી ટીમે શિક્ષકો અને વાલીઓ સાથે પણ ચર્ચા કરી બાળકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો.
શાળાના સંચાલક આનંદપ્રિય સ્વામીજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આરોગ્યનું જતન શિક્ષણ જેટલું જ મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ગુજરાત સરકાર તથા હેલ્થ ટીમનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુકુલના તમામ શિક્ષક ગણ અને કર્મચારીઓએ ખૂબ જ સારો સહકાર રહ્યો હતો.



0 Comments