સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે પ્રાગટ્ય ઉત્સવ 'હોળી મહોત્સવ ' તેમજ શીતલ ગૌશાળા લોકાર્પણ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને ગૌરક્ષા તેમજ ધામના વિકાસ અંગે મહત્વની જાહેરાતો કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગુનેગારોને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી છે, દુધરેજ ધામના વિકાસ માટે અગાઉના ₹4.50 કરોડ ઉપરાંત વધારાના ₹2 કરોડ ફાળવવાની જાહેરાત કરાઈ છે. હવે કુલ ₹6.50 કરોડના ખર્ચે અહીં અત્યાધુનિક યાત્રાધામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ હારિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્ય પદથી વિભૂષિત થયેલા કનીરામદાજી બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના સાનિધ્યમાં ગૌમાતાની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો બનાવી ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે."
"આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ." તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, સાંસદ ચંદુભાઈ સિહોરા, બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.




0 Comments