દૂધરેજ વડવાળા ધામ ખાતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ; લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સુરેન્દ્રનગર: ઝાલાવાડની પવિત્ર ધરતી પર આવેલા સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા ધામ ખાતે ભક્તિ, સેવા અને રાજનીતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અહીં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણીની સાથે શીતલ ગૌશાળાના લોકાર્પણનો મંગલમય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશ્વ વંદનીય સંતો અને રાજ્યના અગ્રણી રાજકીય નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સંતો-મહંતોના આશીર્વાદથી ગુંજી ઉઠ્યું વડવાળા ધામ

આ મહોત્સવમાં આદ્યાત્મિક જગતના દિગ્ગજ સંતોએ હાજરી આપી વાતાવરણને શિવમય અને ભક્તિમય બનાવી દીધું હતું. વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારીબાપુ, દ્વારકાના રામાનંદાચાર્ય મહારાજ, અને પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દૂધરેજ ગાદીના મહંત પૂજ્ય કનીરામદાસજી બાપુના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અન્ય વિવિધ ધાર્મિક જગ્યાઓના સંતો-મહંતોએ પણ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા.

રાજકીય નેતાઓનું માલધારી પરંપરા મુજબ સન્માન

ધાર્મિક કાર્યક્રમની સાથે અહીં પ્રદેશ ભાજપના નેતાઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપ સંગઠન સાથે જોડાયેલા જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી જીતુભાઈ વાઘાણી, અને સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા સહિત સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સંતો દ્વારા રાજકીય નેતાઓનું કરવામાં આવેલું વિશેષ સન્માન હતું. પરંપરાગત માલધારી પહેરવેશ પહેરાવીને નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જે માલધારી સંસ્કૃતિ અને લોકજીવનની ધરોહરને ઉજાગર કરતું હતું.

ગૌસેવા અને લાખોની જનમેદની

મહોત્સવના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ગૌસેવાના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે. આ બે દિવસીય મહોત્સવ દરમિયાન માત્ર સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી રબારી અને માલધારી સમાજ સહિત અન્ય સમાજોના અંદાજે ૨ થી ૩ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

0 Comments