સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકે જિલ્લાની જાહેર જનતાને સંબોધતા એક ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, હાલમાં જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ઇંધણની અછત કે શોર્ટેજ જેવી કોઈ સ્થિતિ નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી બિનજરૂરી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને બિનજરૂરી દોડાદોડી ન કરવા અને શાંતિ જાળવવા કલેક્ટરશ્રીએ કહ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવી છે કે, તેમની પાસે જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પ્રજાને સતત પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. આ સાથે સુરક્ષાના કારણોસર તમામ પેટ્રોલ પંપોને એવી પણ કડક તાકીદ કરવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિને છૂટક રીતે ખુલ્લા કેન, કેરબા કે અન્ય કોઈ કન્ટેનરમાં પેટ્રોલ-ડીઝલ આપવું નહીં. નાગરિકોને પણ આવી રીતે ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપ પર ન જવા કલેક્ટરશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિકને પેટ્રોલ-ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડે અથવા કોઈ ચોક્કસ ફરિયાદ હોય, તો તેઓ તાત્કાલિક ધોરણે તાલુકા કક્ષાએ મામલતદારની કચેરી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ઇંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી અને વહીવટી તંત્રને સહયોગ આપવા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

0 Comments