સુરેન્દ્રનગર: કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીની પ્રેરણાદાયી ઉજવણી

સુરેન્દ્રનગર : રંગોનો તહેવાર ધૂળેટી એટલે પરસ્પર પ્રેમ અને સદ્ભાવનાનું પ્રતીક. જ્યારે આખું શહેર રંગોમાં ડૂબેલું હતું, ત્યારે સુરેન્દ્રનગરના કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને માનવતાભરી પહેલ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યોએ સાયલા સ્થિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના દિવ્યાંગ અને મંદબુદ્ધિ બાળકો સાથે રંગોત્સવની શાનદાર ઉજવણી કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે તહેવાર મનાવતા હોય છે, પરંતુ કલરવ સેવા ટ્રસ્ટે આ વર્ષની ધૂળેટી એવા બાળકોને સમર્પિત કરી જેમને સમાજની મુખ્યધારામાં પ્રેમ અને હૂંફની વિશેષ જરૂર છે. સાયલાના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કલરવ સેવા ટ્રસ્ટના દેવ્યાનીબેન રાવલ તથા અન્ય પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, "આ બાળકો નિષ્પાપ અને નિખાલસ હોય છે. તેમની સાથે સમય વિતાવીને અને તેમના ચહેરા પર સ્મિત જોઈને જે આનંદ મળે છે, તે કોઈ પણ ભૌતિક સુખ કરતા અનેકગણો મોટો છે."

સંચાલકોએ પણ કલરવ સેવા ટ્રસ્ટનો આભાર માનતા કહ્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમને અહેસાસ થાય છે કે સમાજ તેમની સાથે છે.

રંગોના આ પર્વમાં જ્યારે લાલ, પીળા અને ગુલાબી રંગો હવામાં ઉડતા હતા, ત્યારે સૌથી સુંદર રંગ 'માનવતા'નો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના આ સેવાભાવી ગ્રુપની આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

0 Comments