સી. યુ. શાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ખ્યાતનામ સી. યુ. શાહ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યવહારુ જ્ઞાનના હેતુથી ગત તા. 27 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે એક વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ (BCA, BSc-IT, MCA) અને ફેકલ્ટી ઓફ કોમર્સના કુલ 55 વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉદ્યોગ જગતની બદલાતી ટેકનોલોજી અને મીડિયા હાઉસની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળી હતી. અહીં આયોજિત ટેકનિકલ સેશનમાં વિદ્યાર્થીઓએ સોફ્ટવેર ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા આધુનિક વિષયો પર નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. ટેકનોલોજી બાદ વિદ્યાર્થીઓએ મીડિયા ક્ષેત્રનો અનુભવ મેળવવા ન્યૂઝ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. જેમાં ન્યૂઝરૂમ, કંટ્રોલ રૂમ અને લાઈવ બ્રોડકાસ્ટિંગ કેવી રીતે થાય છે તેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને થિયરી જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર આપવાનો હતો. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને આઈટી ઇન્ડસ્ટ્રી અને બ્રોડકાસ્ટિંગ મીડિયામાં રહેલી તકો અને પડકારો વિશે સમજ મળી હતી, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડતર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

0 Comments