PFC અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ વચ્ચે ₹21.70 કરોડના સમજૂતી કરાર સંપન્ન.

સુરેન્દ્રનગર : જિલ્લાના આરોગ્ય અને તબીબી સુવિધાઓમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પરમિંદર ચોપરા, PFCના ડિરેક્ટર અને CSR કમિટીના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલા તેમજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના ડિરેક્ટર અને CEO ડૉ. શ્યામભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આજે PFCની દિલ્હી ઓફિસ ખાતે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. 

આ વિશે વધુ માહિતી આપતા નરેશભાઈ કેલા એ જણાવેલ કે આ પ્રોજેક્ટ અંતર્ગત PFC દ્વારા તેના CSR ફંડમાંથી આશરે ₹21.70 કરોડના ખર્ચે સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા અત્યંત આધુનિક સાધનો ફાળવવામાં આવશે, જે જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

જાહેરજીવનમાં મળેલી જવાબદારીને હંમેશા સેવાનું માધ્યમ બનાવતા શ્રી નરેશભાઈ કેલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો પહેલો પ્રયાસ હંમેશા સુરેન્દ્રનગર જિલ્લા અને શહેર માટે કંઈક શ્રેષ્ઠ કરવાનો રહ્યો છે. PFCમાં CSR કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી મળતા જ તેમણે ડૉ. શ્યામ શાહ સાથે પરામર્શ કરી જિલ્લામાં જે મેડિકલ સુવિધાઓનો અભાવ હોય તેને પ્રાથમિકતા આપી હતી. PFC ની ટીમ અને મેડિકલ કોલેજના સતત પ્રયત્નો અને તમામ ટેકનિકલ પૂર્તતાઓ બાદ આજે આ પ્રોજેક્ટ માટે MOU સાઈન કરવામાં આવેલ છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સ્થાનિક દર્દીઓને ગંભીર બીમારીઓના નિદાન માટે અન્ય મોટા શહેરો સુધી પરેશાન થવું નહીં પડે અને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય નિદાન સુવિધા મળી રહેશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની પ્રેરણાથી અમલમાં આવનાર આ મહત્વપૂર્ણ CSR પ્રોજેક્ટ સ્વ. સી. યુ. શાહ સાહેબને સાચી શ્રદ્ધાંજલિરૂપ બની રહેશે છે. PFC અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના વચ્ચેનો આ સમન્વય સુરેન્દ્રનગરના તબીબી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ પ્રસંગ છે, જે આવનારા સમયમાં હજારો જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આશા લઈને આવશે.

0 Comments