વઢવાણ પ્રાથમિક શાળા નંબર 14ના આચાર્ય શ્રીમતી પ્રેમીલાબેન પરમારનો ભવ્ય નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર : વઢવાણની પ્રાથમિક શાળા નંબર 14માં આચાર્ય તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પ્રેમીલાબેન હરિભાઈ પરમાર વય મર્યાદાને કારણે તારીખ 31-03-2026 ના રોજ નિવૃત્ત થયા હતા. આ નિમિત્તે તેમનો નિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારંભ તારીખ 11 એપ્રિલ, 2026 ના રોજ શાળા પ્રટાંગણમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સુરેન્દ્રનગરના પ્રાચાર્ય સી.ટી. ટુંડિયા એ સંભાળ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ઓઆઇસી (સમગ્ર શિક્ષા) દિનેશભાઈ સોલંકી, વઢવાણ BRC નરેશભાઈ ભદ્રેશિયા તેમજ પૂર્વ TPO ગીરીશભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે ઉત્કર્ષ મંડળના પ્રમુખ અશોકભાઈ જાદવ, શૈક્ષણિક મહાસંઘના પ્રદેશ પ્રમુખ/જિલ્લા મહામંત્રી દશરથસિંહ અસવાર, જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ મોરી, પે સેન્ટર શાળા નંબર 2 ના આચાર્ય અશોકભાઈ વાઘેલા તેમજ પૂર્વ આચાર્યઓ બીપીનભાઈ ગોસ્વામી, નીલાબેન ત્રિવેદી, હરજીભાઈ સોલંકી, ધરમશીભાઈ ચૌહાણ અને કાનજીભાઈ દુલેરાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

નિવૃત્ત થતા આચાર્ય પ્રેમીલાબેને આ પ્રસંગે ઉદારતા દાખવીને ઉપસ્થિત તમામ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શિક્ષણ પ્રત્યેના તેમના લગાવના દર્શન ત્યારે થયા જ્યારે તેમણે શાળાના 150 બાળકોને શૈક્ષણિક કીટ અને બે-બે ચોપડાની ભેટ આપી. તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે બાળકોને 10 ચણીયા-ચોળી અર્પણ કર્યા.

કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને શાળાના બાળકોએ સાથે મળીને સ્વરુચિ ભોજનનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકગણ, એસ.એમ.સી. (SMC) ના સભ્યો અને આસપાસના વિસ્તારના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રેમીલાબેનની શૈક્ષણિક સેવાઓને બિરદાવી ઉપસ્થિત સૌએ તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

0 Comments