લખતર-વિરમગામ હાઈવે પર ભયાનક અકસ્માત, 7નાં મોત, 4 ગંભીર ઘાયલ

સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે એક વાહનને જોરદાર અડફેટે લીધાં બાદ 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ નાજુક હોવાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ગટકા ગામના 11 જેટલા લોકો એક વાહનમાં વિરમગામ ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે મોડી રાત્રે આ દુર્ઘટના બની. ટ્રકની વધુ ઝડપ અને સંભવિત ગફલતને કારણે અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ઈજાગ્રસ્તને વિરમગામ તથા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો રાજકોટ જિલ્લાના ગટકા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ એક જ પરિવારના સભ્યો હોવાનું અનુમાન છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 4 લોકોની સ્થિતિ ગંભીર છે અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.  

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. ગામના લોકોમાં ભારે દુઃખનું વાતાવરણ છે અને મૃતકોના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

0 Comments