સુરેન્દ્રનગર : ઝાલવાડના આરોગ્ય ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાયો છે. પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ હવે સુરેન્દ્રનગરની એકમાત્ર એવી સંસ્થા બની છે જ્યાં ફુલ-ટાઈમ નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાત) ઉપલબ્ધ રહેશે. આથી દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે.
હાલમાં જ હોસ્પિટલમાં કિડની દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા યજ્ઞ યોજાયો હતો. આ સેવા યજ્ઞમાં આશરે ૭૪થી વધુ દર્દીઓએ નિષ્ણાત તબીબી સલાહ, તપાસો અને સારવારનો લાભ લીધો.
રાજકોટની પ્રખ્યાત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાંથી DRNB ડિગ્રી પ્રાપ્ત કરનાર અને કિડની સારવારમાં વિશાળ અનુભવ ધરાવતા ડૉ. આકાશ લકુમ હવે આ હોસ્પિટલમાં કાયમી સેવા આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં અનેક ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી.
કેમ્પમાં દર્દીઓને નિષ્ણાત સલાહ સાથે લોહીની રૂટિન તપાસ અને એક્સ-રે નિઃશુલ્ક આપવામાં આવ્યા. અને અન્ય વિશેષ તપાસો અને જરૂરી દવાઓ ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમજગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી.
અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની ટીમ સાથે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ હવે સુરેન્દ્રનગરના આરોગ્ય ક્ષેત્રે એક મજબૂત આધારસ્તંભ બની રહી છે.



0 Comments