હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો સેવાયજ્ઞ: ૮ વર્ષમાં ₹ ૧૯.૨૩ કરોડનું દાન, પારદર્શકતાનું ઉદાહરણ



સુરેન્દ્રનગર: જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક અને પદ્મ શ્રી ડૉ. જગદીશ ત્રિવેદીએ પોતાના ૫૮મા જન્મદિવસે, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, છેલ્લાં આઠ વર્ષના સેવાયજ્ઞનું સરવૈયું રજૂ કર્યું છે. ૨૦૧૭માં ૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારથી ડૉ. ત્રિવેદી પોતાના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની ૧૦૦% આવક વહીવટી ખર્ચ લીધા વિના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરી રહ્યા છે.

આજરોજ પ્રગટ કરાયેલા 'Social Audit of Social Service' પુસ્તક મુજબ, ડૉ. ત્રિવેદીનું કુલ દાન ₹ ૧૯,૨૩,૫૭,૬૩૪ કરોડને પાર પહોંચ્યું છે. તેમની આ અદ્ભુત પારદર્શિતાથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 'મન કી બાત'ના એપિસોડ નંબર ૧૦૮માં તેમની સેવાઓની વિગતવાર પ્રશંસા કરી હતી.

આ ₹ ૧૯.૨૩ કરોડના દાનમાંથી તેમણે અત્યાર સુધીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ૧૩ સરકારી શાળાઓ, ૯ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ ૨૫ જેટલી ઇમારતોનું નિર્માણ કરીને સમાજને અર્પણ કર્યું છે. તદુપરાંત, અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ સહાય પૂરી પાડી છે.

વઢવાણ ખાતેના તેમના જન્મસ્થળ શ્રીમતી સદગુણાબહેન સી. યુ. શાહ પ્રસુતિગૃહમાં તેમના 58 માં જન્મદિવસ નિમિત્તે 'Social Audit of Social Service' પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલાવાડ રાજપૂત સમાજના ૫૮ યુવક-યુવતીઓએ સૌપ્રથમ રક્તદાન કર્યું હતું. આ સેવાયજ્ઞને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. પી.સી. શાહ અને ગોવિંદભાઈ વરમોરા સહિતના દાતાઓએ કુલ ₹ ૧,૬૬,૦૦૦નું દાન કર્યું હતું, જે ડૉ. ત્રિવેદીએ નિર્માણાધીન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યું હતું. ડૉ. જગદીશ ત્રિવેદી ત્રણ વખત પીએચડીની ડિગ્રી ધરાવે છે અને રાષ્ટ્રપતિ તરફથી તેમને 'પદ્મશ્રી' સહિતના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

Post a Comment

0 Comments