મહિલા દિનની અનોખી ઉજવણી; મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર : સમગ્ર વિશ્વમાં જ્યારે 8 માર્ચના રોજ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના નવનાત વણિક સમાજ સેન્ટર દ્વારા સ્ત્રી શક્તિના અભિવાદન અને સન્માનનો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં અહંમ ભૂમિકા ભજવતી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે સંસ્થાના હોદ્દેદારોએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

પોલીસ સ્ટેશન ખાતે સ્ત્રી શક્તિનું ગૌરવ

નવનાત વણિક સમાજના પ્રમુખ શ્રી કે.કે. ભાવસાર અને મંત્રી શ્રી આઈ.કે. સોનીની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે સુરેન્દ્રનગર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય મહિલા પોલીસ કર્મચારીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાજ દ્વારા તમામ મહિલા કર્મચારીઓને પ્રતીકાત્મક ભેટ તરીકે પેન અને ડેરી મિલ્ક ચોકલેટ આપી તેમના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

ઉત્સાહભેર ઉજવણી અને અભિવાદન

આ પ્રસંગે ઉપસ્થિત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.એમ. સંગાડા દ્વારા સંસ્થાના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌના મ્હોં મીઠા કરાવવા માટે પેંડા વહેંચવામાં આવ્યા હતા અને કેક કાપીને મહિલા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ઉપસ્થિત હોદ્દેદારો:

આ કાર્યક્રમમાં પ્રમુખ કે.કે. ભાવસાર, મંત્રી આઈ.કે. સોની ઉપરાંત તેજશ કોઠારી, નિલેશ સંઘવી, નિમેષ ભાવસાર, શીતલબેન, તૃપ્તીબેન સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નવનાત વણિક સમાજના આ કાર્યને શહેરભરમાં આવકારવામાં આવ્યું છે, કારણ કે ગણવેશમાં સજ્જ આ મહિલાઓ પરિવાર અને સમાજ બંનેની જવાબદારી જે રીતે નિભાવે છે, તે ખરેખર વંદનીય છે.

0 Comments