સુરેન્દ્રનગર: ગુજરાતમાં નશાબંધીના કડક અમલના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના પાટડી અને દસાડા તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગત વર્ષોમાં પકડાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર પોલીસ વિભાગ હેઠળ આવતા પાટડી, બજાણા, ઝીંઝુવાડા અને દસાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૫ દરમિયાન મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયો હતો. આ ચારેય પોલીસ સ્ટેશનના સંયુક્ત જથ્થાનો નિકાલ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત કુલ ૨૪,૧૯૦ નંગ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. નાશ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની કુલ બજાર કિંમત અંદાજે ₹૧,૧૨,૮૫,૮૪૯ (એક કરોડ બાર લાખ પંચાસી હજાર આઠસો ઓગણપચાસ) જેટલી થવા જાય છે.
દારૂના આ જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા કાયદાકીય માર્ગદર્શિકા મુજબ અત્યંત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. આ તકે એસ.ડી.એમ. (SDM) , નાયબ પોલીસ અધિક્ષક (DYSP) અને સંબંધિત ચારેય પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) તથા પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસ સતર્ક છે અને આ કાર્યવાહી તે દિશામાં એક મક્કમ ડગલું છે."
સુરેન્દ્રનગર જિલ્લાના રણ કાંઠાના વિસ્તારોમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને દરોડા પાડી રહી છે. કરોડોની કિંમતના દારૂના જથ્થાનો નાશ થતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ નશાના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


0 Comments