રતનપરના ભક્તિનગર વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા; રહીશો પરેશાન!

સુરેન્દ્રનગર: મહાનગર પાલિકાના વોર્ડ નં. ૯, રતનપર સ્થિત ભક્તિનગર વિસ્તારના રહીશોએ લાંબા સમયથી ચાલી રહેલી માળખાગત સુવિધાઓની ખામી અંગે મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે. મહેન્દ્ર કિરીટભાઈ દવે દ્વારા તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી આ રજૂઆતમાં વિસ્તારની દયનીય હાલત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.આ મામલે કોંગ્રેસ નેતા મહેન્દ્રભાઈ પરમાર અને ઝંખનાબેન જાની સાથે રહ્યા હતા.

રજૂઆત મુજબ, ભક્તિનગર વિસ્તારમાં કિરીટભાઈના ઘર પાસેથી/ધીરુભાઈની દુકાન પાસેથી શરૂ થઈને બાયપાસ રોડ સુધીનો મુખ્ય રસ્તો તદ્દન ખાડાવાળો અને બિસ્માર હાલતમાં છે. આ ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ આ રોડનું સત્વરે સમારકામ કે નવું નિર્માણ કરવા તાત્કાલિક માંગણી કરી છે.

રસ્તાની સમસ્યા ઉપરાંત, વોર્ડ નં. ૯ માં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટો મોટાભાગે બંધ રહે છે. છૂટક એકાદ-બે લાઈટો સિવાય બાયપાસ સુધીના રસ્તા પર સંપૂર્ણ અંધારપટ છવાયેલો રહે છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અવરજવરમાં ભારે તકલીફ પડે છે. કમિશ્નરને સત્વરે લાઈટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં, ભક્તિનગરની બાજુની ગલીઓમાં ભૂગર્ભ ગટર પણ બંધ રહેતી હોવાથી ગંદા પાણીનો નિકાલ બહાર થાય છે. આ ગલીઓમાં પાણીની લાઈન પણ નથી અને ત્યાંનો રસ્તો પણ ખરાબ હાલતમાં છે.

સ્થાનિકોએ મહાનગર પાલિકાના ફાઇન્ડ કંટ્રોલમાં આ તમામ માળખાગત વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે પૂરી કરવા રજૂઆત કરીને પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.

Post a Comment

0 Comments