સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં નાતાલ (25 ડિસેમ્બર) અને નવા વર્ષ 2026 ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ બાબતે સુરેન્દ્રનગર હેડ ક્વાર્ટર ફરજ બજાવતા ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું છે કે, ખાસ કરીને રાત્રિના સમયે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ‘નાઈટ રાઉન્ડ’ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય.
જિલ્લાના વિવિધ સ્થળોએ આવેલી ચેકપોસ્ટ્સને 24x7 કાર્યરત રાખવામાં આવી છે. દરેક ચેકપોસ્ટ પર હાજર પોલીસ કર્મચારીઓને બ્રીથ એનાલાઈઝર્સ આપવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ વ્યક્તિઓનું તાત્કાલિક શ્વાસ પરીક્ષણ કરી શકાય અને જો કોઈ વ્યક્તિએ માદક પદાર્થોનું સેવન કર્યું હોય તો તેની સામે તરત જ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી શકાય.
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે હાઈવે પર આવેલી હોટલ્સ, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટ્સ અને ફાર્મ હાઉસિસની પણ ચકાસણી કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા આવા સ્થળોના માલિકો સાથે બેઠક યોજી તેમને સૂચના આપવામાં આવી છે કે તેમના સંચાલિત સ્થળોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ન થાય તેની ખાતરી રાખે. જો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પણ જવાબદારીપૂર્વક આ તહેવારોની ઉજવણી કરે અને કોઈપણ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત જ 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરે. આ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો અને શાંતિપૂર્ણ તહેવાર ઉજવણી સુનિશ્ચિત કરવી છે.
સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની સક્રિય કામગીરીથી તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવી આશા છે.

0 Comments