સુરેન્દ્રનગર : વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે રુચિ વધે અને તેમનું શારીરિક કૌશલ્ય ખીલે તેવા ઉમદા હેતુ સાથે મૂળી તાલુકાના વીરપર ગામે એક શાનદાર ખેલ પ્રદર્શન યોજાયું હતું. ગત તારીખ ૨૪/૧૨/૨૦૨૫ના રોજ વીરપર સ્થિત શ્રી તેજુબા હેમુબા વાઘેલા વિદ્યાલય ખાતે 'રમતોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના રમત-ગમત અને યુવા મંત્રાલય અંતર્ગત કાર્યરત 'માય ભારત' સુરેન્દ્રનગર વિભાગ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા યુવા અધિકારી મીષાબહેન ખટ્ટરના સીધા માર્ગદર્શન હેઠળ, માય ભારત અને તેજુબા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાયું હતું.
આ રમતોત્સવ દરમિયાન પરંપરાગત અને શારીરિક શક્તિની કસોટી કરતી વિવિધ રમતો યોજાઈ હતી. જેમાં મુખ્યત્વે કબડ્ડી અને ખો-ખો, ટીમ વર્ગ અને વ્યૂહરચનાનું પ્રદર્શન સાથે લોંગ જમ્પ અને દોડ થકી વ્યક્તિગત ક્ષમતા અને ઝડપની સ્પર્ધા યોજાઇ હતી.
આ સ્પર્ધાઓમાં શાળાના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક અને ખેલદિલીની ભાવના સાથે ભાગ લીધો હતો. ગ્રામીણ સ્તરે આટલી મોટી સંખ્યામાં બાળકોને પ્લેટફોર્મ મળતા વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.
દરેક સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકિત વિજેતાઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ, મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે તમામ સહભાગી વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી દેવપાલસિંહ વાઘેલા તથા પ્રિન્સિપાલ અરવિંદભાઈ પારઘીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે 'માય ભારત'ના સભ્યો જીગરભાઈ દવે, હિમાંશુભાઈ રાવલ અને અમરીશભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સમગ્ર શિક્ષકગણે વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો. અને મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.




0 Comments