સુરેન્દ્રનગરના વટેશ્વર વન ખાતે બાળકો માટે 'લાઈવ સ્કેચિંગ' વર્કશોપનું શાનદાર આયોજન

સુરેન્દ્રનગર: આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ટીવી અને ગેમ્સ પાછળ ખર્ચાય રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના બાળકોને પ્રકૃતિની નજીક લાવવા અને તેમની સર્જનાત્મકતાને ખીલવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના જાણીતા 'રાજપુતાના આર્ટસ સ્ટુડિયો એન્ડ પેઇન્ટિંગ ક્લાસીસ' દ્વારા વટેશ્વર વન ખાતે ખાસ 'આઉટડોર સ્કેચિંગ વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપુતાના આર્ટસ સ્ટુડિયોના ઓનર ભાવિનીબા અશોકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને તેઓ પર્યાવરણને નજીકથી સમજે તે હતો. બંધ ક્લાસરૂમની ચાર દીવાલોની બહાર નીકળીને જ્યારે બાળકોએ વટેશ્વર વનની હરિયાળી વચ્ચે બેસીને પીંછી અને પેન્સિલ હાથમાં લીધી, ત્યારે તેમની કલામાં એક નવો જ નિખાર જોવા મળ્યો હતો.

આજના ફાસ્ટ યુગમાં વાલીઓ માટે સૌથી મોટી ચિંતા બાળકોનો વધતો જતો 'સ્ક્રીન ટાઈમ' છે. આ વર્કશોપ દ્વારા બાળકોને ગેજેટ્સથી દૂર કરી કુદરતી વાતાવરણમાં એક નવી પ્રવૃત્તિ પૂરી પાડવામાં આવી હતી. શિયાળાની ગુલાબી ઠંડી અને વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં બાળકોએ લાઈવ સ્કેચિંગનો જે નવો અનુભવ મેળવ્યો, તેનાથી તેઓમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો.

રૂટિન અભ્યાસક્રમ કરતા કંઈક અલગ શીખવવાના હેતુથી આ 'આઉટડોર સ્કેચિંગ' કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ સામે દેખાતા વૃક્ષો, પક્ષીઓ અને કુદરતી દ્રશ્યોને નિહાળીને કાગળ પર ઉતાર્યા. દરેક વિદ્યાર્થીએ પોતાની પસંદગી મુજબના ચિત્રો દોરીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું. અને કુદરતના સાનિધ્યમાં કલાની સાધના કરવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ હકારાત્મક અસર જોવા મળી હતી.

આ કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર એક અલગ જ પ્રકારનો સંતોષ અને ખુશી છલકાતી હતી. ભાવિનીબા ઝાલાના આ સરાહનીય પ્રયાસને વાલીઓએ પણ વધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આવા આયોજનોથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.

Post a Comment

0 Comments